Image Publications is a brainchild of Dr. Suresh Dalal, a Gujarati litterateur par excellence. The first and foremost function of Image is book publishing. It has brought out number of book titles of high literary quality in Gujarati language catering to varied interests and they are attractively printed with a high degree of aesthetic appeal. Image also happens to be fore-runner in introducing genuine free-flowing e-Books in Gujarati language. It would be interesting to read what Suresh Dalal himself thought about Image Publications:
ઇમેજ પબ્લિકેશન્સ શરૂ કર્યું ત્યારે પુસ્તકો વિશેના એક વાક્યની તલાશમાં હતો અને દિનેશ દલાલ એક સુંદર પંક્તિ લઈ આવ્યા: 'Books are Windows to the World'. વિશ્વ તરફ ખૂલતી બારી એટલે પુસ્તકો.
સંતાનના જન્મ જેટલો જ મહત્ત્વનો જો કોઈ ઉત્સવ હોય તો તે ઉત્તમ પુસ્તકના ઉત્તમ રીતે થયેલા પ્રકાશનનો. ઉત્તમ રીતમાં બધું જ આવી જાય. પુસ્તકની સાઇઝ, પુસ્તકનું કવરપેજ, બે પૂંઠાં વચ્ચેના કાગળની સફાઈ, સુઘડ મુદ્રણ, પુસ્તકના લે-આઉટ્સ... પુસ્તકની આદિથી અંત સુધીની સજાવટ. પુસ્તકનો વિષય, આશય અને એની અભિવ્યક્તિ બધું જ સભર સઘન અને વહનશીલ હોવું જોઈએ. માણસની જેમ પુસ્તકને પણ એનું વ્યક્તિત્વ હોય છે. આ વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે પુસ્તકને જોતાંવેંત પુસ્તકના વિવિધ વિષયપ્રેમીઓને પુસ્તક સાથે ઘરોબો કેળવવાનું આપમેળે મન થાય. ઉત્તમ પુસ્તક એ શતાબ્દીઓ સુધી ઊજવવાનો અનંત ઉત્સવ છે. આ ઓચ્છવમાં જેટલા વાચકો જોડાય એટલો એનો ઓચ્છવ વિશેષ દીપી ઊઠે.
ઈ.સ. 1953 માં મારા ભાઈ અરવિંદના લગ્ન હતાં, ત્યારે 'લ્હેરખી' નામની પ્રણયકાવ્યોની પુસ્તિકા સંપાદન કરીને વિનામૂલ્યે વહેંચી હતી. પછી વાર્ષિક સંપાદનો કરતો ગયો. પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે પ્રકાશન સાથે હું સંકળાતો ગયો. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અનેક પુસ્તકો કર્યા. ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી સાથે પણ સંકળાયો આ ગાળામાં 'મિહિકા' અને 'ઇમેજ પબ્લિકેશન્સ' પણ ઊભાં કર્યાં.
ઇમેજ પબ્લિકેશન્સથી મારી પ્રવૃત્તિને જુદો આકાર મળ્યો. આ બધું હું એકલે હાથે કરતો હતો. મારી આ પ્રવૃત્તિને કલ્લોલિનીબહેન હઝરત એક માણસનો કાફલો કહીને બિરદાવતાં હતાં. પછી તો એની સાથે નવીનભાઈ દવે, ગોપાળ દવે, ઉત્પલ ભાયાણી, મહેશ દવે, અપૂર્વ આશર અને હિતેન આનંદપરા સક્રિય રીતે સંકળાયા.
ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.માંથી ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટ ઊભું થયું. એને કારણે કેટલાય શુભેચ્છકો સંકળાયા. દીવામાંથી દીવો પ્રગટે એમ પ્રવૃત્તિઓ થતી રહી. એક બાજુ મારો શોખ પણ સચવાયો અને પુસ્તકદાન યોજના નિમિત્તે સામાજિક સેવા કરવામાં પણ નિમિત્ત થવાયું.
મને કોઈ પૂછે કે ઇમેજ પબ્લિકેશન્સ એટલે શું ? તો મારો એક જ જવાબ છે - ઇમેજ મારી વૃદ્ધાવસ્થાનું રામરમકડું છે.
('મારી બારીએથી’માંથી સંકલિત')
